--------------------------------------------------

સાણથલીમાં મારામારી મામલે સામસામી ફરિયાદો, મહિલાને ઈજા


જસદણ તાલુકાના સાણથલી ગામે મારામારીના બનાવમાં હવે સામસામી ફરિયાદો સામે આવી છે. અગાઉની ફરિયાદ બાદ પાંચાભાઈ બચુભાઈ વાઘેલાએ પણ આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, તા. ૨૩ ઓગસ્ટની સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં પાંચાભાઈ વાઘેલા અને તેમની પત્ની કાંતાબેન ઘરે હતા. દરમિયાન તેમના નાના પુત્ર જીતાના ઘર પાસે ધીરુભાઈ બચુભાઈ સોલંકી, દિલીપભાઈ ધીરુભાઈ સોલંકી અને ધીરુભાઈના જમાઈ રાહુલ રામભાઈ જીલીયા વચ્ચે બોલાચાલી થઈ રહી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, કાંતાબેન વચ્ચે છોડાવવા જતા ધીરુભાઈ સોલંકીએ લાકડી વડે તેમના ડાબા કાનની બુટ પાસે ઘા માર્યો હતો. દિલીપભાઈ પાસે રહેલા પાઈપ વડે કાંતાબેનના પગના સાથળના ભાગે ઈજા પહોંચાડ્યાનો, જ્યારે રાહુલ જીલીયાએ લાકડાના ફાડા વડે જમણા હાથના બાવડા પર ઘા માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઘટનામાં કાંતાબેનને કાનના ભાગે ઈજા થતાં સાણથલીથી જસદણ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ત્યાં કાનના ભાગે ટાંકા આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમજ જીતાભાઈને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે પાંચાભાઈ બચુભાઈ વાઘેલાની ફરિયાદના આધારે ધીરુભાઈ બચુભાઈ સોલંકી, દિલીપભાઈ ધીરુભાઈ સોલંકી અને રાહુલ રામભાઈ જીલીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સાણથલીના આ બનાવમાં બંને પક્ષો દ્વારા એકબીજા સામે આક્ષેપો સાથે ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Post a Comment

Previous Post Next Post

ads

ads