જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ દ્વારા બાઈક ચલાવવાના મામલે પોલીસ દ્વારા હવે મેગા ડ્રાઈવ યોજવામાં આવશે. જસદણ તાલુકાના આટકોટ ખાતે યોજાયેલા લોકદરબારમાં રાજકોટ ગ્રામ્ય એસ.પી. વિજયસિંહ ગુર્જરે આ મામલે કડક તાકીદ કરી હતી.
લોકદરબાર દરમિયાન એસ.પી.એ વાલીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને બાઈક કે અન્ય વાહન ચલાવવા માટે ન આપવું. નાબાલિગ વિદ્યાર્થીઓ વાહન ચલાવતા ઝડપાશે તો નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરી નાબાલિગો દ્વારા વાહન ચલાવવામાં આવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. પોલીસની આ મેગા ડ્રાઈવને પગલે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
રાજકોટ ગ્રામ્ય એસ.પી. વિજયસિંહ ગુર્જરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, નાબાલિગ વિદ્યાર્થીઓ બાઈક ચલાવતા ઝડપાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માતો અને ટ્રાફિકના નિયમોના ભંગને રોકવા માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Tags:
Atkot