રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરમાળીયા દાદાના મંદિર નજીક જાહેર માર્ગ પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ₹6 લાખ 60 હજાર 920 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી બાતમીના આધારે LCBની ટીમે સમઢીયાળા ગામ તરફથી વિંછીયા તરફ આવી રહેલી નંબર પ્લેટ વગરની સફેદ રંગની સ્વિફ્ટ કાર પર નજર રાખી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે લાલજી ઉર્ફે અમિત મનસુખભાઈ ચૌહાણ, રહેવાસી અમરેલીને ઝડપી પાડ્યો છે, જ્યારે મોટામાત્રા ગામના ઇશ્વર ઉર્ફે ઇસો ભવાનભાઈ બાવળીયાને દારૂનો જથ્થો પૂરો પાડનાર તરીકે આરોપી બનાવવામાં આવ્યો છે.
પોલીસે આરોપી પાસેથી જુદી જુદી બ્રાન્ડની કુલ 220 દારૂની બોટલો, એક મોબાઇલ ફોન અને એક સ્વિફ્ટ કાર સહિત કુલ ₹6.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઇશ્વર ઉર્ફે ઇસો બાવળીયા સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ અને જુગાર ધારા હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે.
આ સમગ્ર કાર્યવાહી LCB રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી સહિતની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.