વિંછીયા: વિંછીયા ગામના રહેવાસી શ્રી મોહિતભાઈ બી. રોજાસરાએ રૂ. ૧૦ લાખની ગ્રામીણ ટપાલ જીવન વીમા (RPLI) પોલિસી લીધી હતી. તેઓ દર મહિને રૂ. ૪,૧૫૦નું પ્રીમિયમ ભરતા હતા. પોલિસી લીધાના માત્ર ૨૭ મહિનામાં તેમનું દુઃખદ અવસાન થતાં ટપાલ વિભાગ દ્વારા તેમના પરિવારને વીમા રકમ તથા બોનસ સહિતની રકમ ચૂકવવામાં આવી છે.
તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વિંછીયા તાલુકા કુમાર શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોહિતભાઈના ધર્મપત્ની અને વારસદાર હર્ષાબેન મોહિતભાઈ રોજાસરાને વીમા રકમ અને બોનસ સહિતનો ચેક ગોંડલ ટપાલ વિભાગના અધિક્ષક ડાકઘર શ્રી કે. એસ. ઠક્કર દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિંછીયા ગામના સરપંચ શ્રી ચતુરભાઈ ભીખાભાઈ રાજપરા, અજયભાઈ મહેતા, પૂર્વ પત્રકાર, ગામના રહીશો, વિંછીયા પોસ્ટ ઓફિસના સ્ટાફ તેમજ બ્રાંચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ નોર્થ વિભાગ શ્રી એચ. બી. ડાભી અને ડેવલપમેન્ટ ઓફિસર (PLI) ગોંડલ શ્રી એચ. જે. વાજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ વીમા ક્લેમની કામગીરીમાં વિંછીયા પોસ્ટ ઓફિસના સ્ટાફ તેમજ અમરેલી RMSના કર્મચારી શ્રી યશપાલભાઈ ગોહિલે ખાસ જહેમત ઉઠાવી હતી.
ટપાલ જીવન વીમાનો આ કેસ પરિવારના આર્થિક ભવિષ્ય માટે ઉદાહરણરૂપ બન્યો છે. આ પ્રસંગે ટપાલ વિભાગ દ્વારા જાહેર જનતાને ટપાલ ખાતાની જીવન વીમા યોજનાઓનો વધુમાં વધુ લાભ લઈ પોતાનું તથા પોતાના પરિવાર અને વારસદારોનું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત કરવા અપીલ કરવામાં આવી હતી.
Tags:
Vinchhiya