--------------------------------------------------

પાલોદ પોલીસ અને સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની મોટી સફળતા: પીપોદરા GIDC બંસરી ટેક્સટાઇલ પાર્ક હત્યા કેસનો ભેદ ઉકેલાયો

રિપોર્ટ મયુર ગોહિલ સુરત 

સુરત ગ્રામ્ય પોલીસ અને એલ.સી.બી.ની ટીમે પીપોદરા GIDC સ્થિત બંસરી ટેક્સટાઇલ પાર્કમાં થયેલા હત્યાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીને મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.

ગત 8 જૂન, 2026ના રોજ રાત્રે આશરે 10:45 વાગ્યે પીપોદરા ગામની સીમમાં આવેલ બંસરી ટેક્સટાઇલ પાર્કના રામકૃષ્ણ કોમ્પલેક્ષમાં રત્ની મોબાઇલ શોપના ઓટલા ઉપર જીતેન્દ્ર ઉર્ફે રાજુભાઈ જોગરાજ પઢીયાર (ઉંમર 39 વર્ષ)ની ગળાના ભાગે જીવલેણ ઈજા પહોંચાડીને હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી-દેતીના મામલે થયેલા ઝઘડાના કારણે આ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

આ બનાવ અંગે પાલોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન એલ.સી.બી.ની ટીમે CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહત્વપૂર્ણ બાતમી મેળવી હતી કે હત્યામાં સુબાલા મુરલી ગૌડા તથા તેનો મિત્ર સુરજ ઉર્ફે સુર્યા મરાઠી સુર્યકાંત શીંદે સંડોવાયેલા છે.

બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના રાજણગાંવ MIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી હતી અને ડોકસાંગવી ગામમાંથી આરોપી સુરજ ઉર્ફે સુર્યા મરાઠી સુર્યકાંત શીંદે (ઉંમર 28 વર્ષ)ને ઝડપી પાડ્યો હતો.

પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેના મિત્ર સુબાલા મુરલી ગૌડાને મૃતક સાથે પૈસાની લેતી-દેતી બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જેના કારણે બંનેએ મળીને 8 જૂનની રાત્રે મૃતકને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા.

પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે પાલોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જ્યારે અન્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી સુરત ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ PSI શ્રી એચ.સી. મસાણી, ASI મુકેશભાઈ જયદેવભાઈ, ASI હેમંતભાઈ બાવાભાઈ, HC અનિલભાઈ રામજીભાઈ, HC કાર્તિકગીરી ચેતનગીરી, HC વિક્રમભાઈ સગરામભાઈ, PC ભુપેન્દ્રભાઈ સતિશભાઈ અને PC મીત મહેન્દ્રભાઈ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Post a Comment

Previous Post Next Post

ads

ads