વિંછીયાના છાસિયા ગામે દરોડા દરમિયાન ઘટના
પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડયો
વિંછીયા તાલુકાના છાસિયા ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડયો હતો.જેમાં ૧૦ જુગારીઓ ઝડપાઈ ગયા હતા.દરમ્યાન વિંછીયાના અજમેર ગામે રહેતાં લાખાભાઈ વજાભાઈ સોહલા ઉ.૪૫ નામના આધેડની તબિયત લથડયા બાદ પોલીસે માનવતાની રૂહે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.જયાં આધેડે દમ તોડી દેતા ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેક આવ્યાનું ખુલ્યું હતું.
રાજકોટ જીલ્લામાં દારૂ-જુગારના દુષણને ડામવાની સુચના અન્વયે વિંછીયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે છાસિયા ગામે રહેતા વિરમભાઈ મગનભાઈ વાસાણી પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી આધારે દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક વિરમ મગનભાઈ વાસાણી, હેમંત છગનભાઈ સોલંકી, વિનુભાઈ નાજાભાઈ ચૌહાણ, લાખાભાઈ વજાભાઈ સોહલા,
વલકુભાઈ લઘરાભાઈ સરવૈયા, અરવિંદભાઈ દાનાભાઈ મકવાણા, જેશાભાઈ મગનભાઈ વાસાણી, જેન્તીભાઈ ડાયાભાઈ વાસાણી, ભાભલુભાઈ રામભાઈ ચાવડા અને મુકેશ ઉર્ફે મુના કેશાભાઈ ઝાપડીયા સહિતના ૧૦ને ઝડપી કુલ રૂ. ૯૬,૮૩૦ની મત્તા કબજે કરી હતી.
દરમ્યાન લાખાભાઈ વજાભાઈ સોહલાની તબિયત લથડતા પોલીસે તાકિદે સારવાર અર્થે વિછીયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.દરમ્યાન આધેડે ટૂંકી સારવારમાં
હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પીઆઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી જઈ તપાસ હાથ ધરતા પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત ગભરામણના કારણે હાર્ટ એટેકથી થયું હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં પોલીસની કાર્યવાહી સામે કોઈ આંગળી ન ચીંધાય કે અન્ય કોઈ ગંભીર આક્ષેપો ન થાય તે માટે મૃતક લાખાભાઈના મૃતદેહને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
Tags:
vichiya