લોઠડાથી બળધોઈ ગામે સુરાપુરા દાદાની ડેરીએ કૌટુંબિક 8 સભ્યો પગપાળા જતા હતા : પરિવારમાં કલ્પાંત : ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા
મૃતક કિરણબેન ધોરિયા ગોંડલ અને ભાનુબેન ચીરોડીયા રાજકોટના મકનસર ગામના વતની : અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો, જે બાદમાં પકડાયો
રાજકોટના હલેન્ડા પાસે ચાલીને માનતા પુરી કરવા જતા પરિવારને ટ્રકે હડફેટે લીધો હતો. જેમાં બે મહિલાના મોત નીપજ્યા હતા અને બે લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા. લોઠડાથી બળધોઈ ગામે સુરાપુરા દાદાની ડેરીએ કૌટુંબિક 8 સભ્યો પગપાળા જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. મૃતક કિરણબેન શૈલેષભાઈ ધોરિયા (ઉ.વ. 32) ગોંડલ અને ભાનુબેન લક્ષ્મણભાઈ ચીરોડીયા (ઉ.વ. 35) રાજકોટના મકનસર ગામના વતની હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો, જે બાદમાં પકડાયો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર, રવિવારે વહેલી સવારે રાજકોટના હલેન્ડા ગામ પાસે આવેલી માટેલ હોટેલ નજીક પગપાળા જતા પદયાત્રીઓને પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે હડફેટે લીધા હતા. જેમાં બે મહિલાના મોત નીપજ્યા હતા. લોઠડાં રહેતા ચંપાબેનને બળધોઈ ગામે આવેલા સુરાપુરા દાદાના મંદિરે ચાલીને જવાની માનતા હતી. મોડી રાત્રે તેઓ 8 કૌટુંબિક સભ્યો લોઠડાથી ચાલીને નીકળ્યા હતા.
જેમાં ચંપાબેનના સગા બહેન ગોંડલ ખાતે સુરેશ્વર મંદિર પાસે રહેતા કિરણબેન ધોરિયા પણ સાથે હતા અને મકનસરથી કૌટુંબિક સગા ભાનુબેન પણ ચાલીને પદયાત્રામાં જોડાયા હતા. પરિવારના કેટલાક અન્ય સભ્યો બાઈક લઈને રસ્તામાં સાથે સાથે રહેતા હતા. રસ્તામાં કિરણબેન, ભાનુબેન અને ભાનુબેનના પતિ લક્ષ્મણભાઈને પાણીની તરસ લાગતા તેઓએ થોડીવાર વિસામો લેવા રોડની સાઈડ પર બેઠા હતા.
10 થી 15 મિનિટ આરામ કર્યાં બાદ ફરી ચાલવાનું શરૂ કરવાની તૈયારી હતી. બધા રોડની સાઈડમાં ઉભા હતા. ત્યાં એક ટ્રક પૂરપાટ ઝડપે ધસી આવ્યો અને ત્યાં ઉભેલા ચાર લોકોને હડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઈજા થતા કિરણબેન અને ભાનુબેનનું મોત નીપજ્યું હતું, જ્યારે કિરણબેનના પતિ શૈલેષભાઈ સહિત બે લોકોને ઈજા થઈ હતી. મૃતક કિરણબેન સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.
ભાનુબેનને બે દીકરી અને એક દીકરો છે. આજીડેમ પોલીસ મથકના પીઆઈ એચ.એન. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગામેતી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ટ્રક ચાલક અકસ્માત સર્જીને નાસી ગયો હતો જો કે બાદમાં તે ઝડપાઈ ગયો હતો. બનાવતી મૃતકોના પરિવારમાં શોક છવાયો હતો.