જસદણમાં બે દિવસ પહેલાં બનેલી હુમલાની ઘટનાને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જસદણ નગરપાલિકાના પટ આંગણામાં વોર્ડ નંબર-1ના ભાજપના મહિલા સભ્યના પતિ પર પાલિકાના બે કર્મચારીઓ અને તેમના સાગરિતો દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલાના વિરોધમાં આજે પાટીદાર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ ઘટનાના અનુસંધાને જસદણના લાતી પ્લોટ ખાતે પાટીદાર સમાજની વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા પણ ખાસ હાજર રહ્યા હતા.
બેઠક પૂર્ણ થયા બાદ લાતી પ્લોટથી સેવાસદન સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા લોકોએ જસદણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી હુમલામાં સંડોવાયેલા કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
સમાજના આગેવાનોનું કહેવું છે કે જો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પરિવારજનો પર જ આવા હુમલા થતા હોય, તો સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે જસદણ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. જોકે, હાલ ત્રણેય આરોપીઓ જામીન પર મુક્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાટીદાર સમાજે પોતાના આવેદનપત્રમાં પોલીસ તંત્રને આરોપીઓ સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ કરી છે. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આરોપીઓ સામે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી પાટીદારો પરિવાર સાથે જસદણ ખાતે એકત્રિત થઈ ઉગ્ર આંદોલન કરશે.
Tags:
jasdan