રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ
જસદણ તાલુકાના આટકોટ ગામ નજીક આવેલા અંબાજી મંદિર પાસે ભાદર નદીમાં હજારો માછલીઓના મોત થયાની ઘટના સામે આવી છે. નદીના પટમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ જોવા મળતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષ ફેલાયો છે.
મરેલી માછલીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જસદણના પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આ મામલે રાષ્ટ્રીય બજરંગ દળના જિલ્લા અધ્યક્ષ દિપક વાઘેલાએ નદીમાં પાણીની અછત અને તંત્રની બેદરકારીને જવાબદાર ગણાવી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી.
પ્રાથમિક તપાસ બાદ જસદણના એસ.ડી.એમ. આર.આર. ખાંભરાએ જણાવ્યું હતું કે ભાદર નદીમાં પાણીનો જથ્થો અત્યંત ઓછો હોવાથી ઓક્સિજનની અછત સર્જાઈ હોવાની શક્યતા છે, જેના કારણે માછલીઓના મોત થયા હોવાનું અનુમાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નદીમાં હજુ જીવિત રહેલી માછલીઓને બચાવવા માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર નદીમાં પાણી છોડવામાં આવ્યું હોત તો હજારો માછલીઓના મોત ટાળી શકાયા હોત. ઘટનાને પગલે સ્થાનિકોએ ભાદર નદીમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ ઉઠાવી છે.
હાલ તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને માછલીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Tags:
jasdan