મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં મેળા દરમિયાન થયેલા કોમ્યુનલ ઝઘડાની અદાવત રાખી કરવામાં આવેલા ચકચારી રાયોટીંગ વિથ મર્ડર કેસમાં સંડોવાયેલા અને કોર્ટ દ્વારા ફરાર જાહેર કરાયેલા ત્રણ આરોપીઓને સુરત શહેર એસ.ઓ.જીએ ઝડપી પાડ્યા છે.સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ કમિશ્નર રાજદીપસિંહ નકુમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. સોનારાની સુચના મુજબ એસ.ઓ.જી. દ્વારા આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.એસ.ઓ.જી.ની ટીમ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના રીવા જિલ્લાના પનવાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ સુરતના અડાજણ વિસ્તારમાં મેટ્રો સ્ટેશન પાસે ફરી રહ્યા છે.બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે આકાશસિંગ ઉર્ફે સૌરભસિંગ બુદ્ધરાજ રાજપૂત, સત્યમસિંગ સમરબહાદુર રાજપૂત અને અજીતસિંગ તીર્થરાજ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. ત્રણેય મૂળ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે, તા. 1 જાન્યુઆરી 2026ના રોજ રીવા જિલ્લાના શિવપુર વિસ્તારમાં ભરાયેલા લૌકીક મેળામાં ચાંદલો લગાવવાના મુદ્દે હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી 27 જાન્યુઆરીએ અતિક અહેમદ શેખ નામના યુવક પર લાઠી-ડંડાથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.બનાવ બાદ ત્રણેય આરોપીઓ પોલીસથી બચવા મધ્યપ્રદેશથી ભાગી સુરત આવી ગયા હતા અને અડાજણ વિસ્તારમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે છેલ્લા ચાર મહિનાથી નોકરી કરતા હતા.આ ચકચારી બનાવ બાદ રીવા જિલ્લામાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું અને મધ્યપ્રદેશ પોલીસે SITની રચના કરી 100થી વધુ પોલીસ અધિકારીઓને આરોપીઓની શોધખોળમાં લગાડ્યા હતા.હાલ સુરત એસ.ઓ.જીએ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ મધ્યપ્રદેશ પોલીસને સોંપી આપ્યા છે.
Tags:
Surat