રિપોર્ટ - મયુર ગોહિલ સુરત
સુરત શહેરની ચોકબજાર સર્વેલન્સ ટીમે ઝારખંડના ચીરાચાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મર્ડરના ગંભીર ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડીને પ્રશંસનીય કામગીરી કરી છે.માહિતી મુજબ, ઝારખંડ પોલીસ દ્વારા સુરત ચોકબજાર પોલીસનો સંપર્ક કરી જણાવાયું હતું કે, વર્ષ 2022ના હત્યાના ગુનામાં સી.આર.પી.સી. કલમ-70 મુજબ વોન્ટેડ આરોપી રાજન ઉર્ફે રંજનકુમાર રાજેન્દ્ર રામ સુરતના વેડ રોડ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો.
જેના આધારે પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી. રાતડા અને ટીમના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે સતત બે દિવસ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપીને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ આરોપી રાજન રામને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરાઈ હતી.
તપાસ દરમિયાન ખુલાસો થયો કે, આરોપીએ વર્ષ 2022માં ખાલીક અંસારી પાસેથી લીધેલા રૂપિયા 25 હજારની ઉઘરાણીના મામલે બે સાગરીતો સાથે મળી ખાલીક અંસારીની લોખંડના સળીયાથી હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને ઝારખંડના ભુરાબસ્તી વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યો હતો.
આ કેસમાં ગુમ થયેલા યુવકના પિતાએ હાઇકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કર્યા બાદ SITની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કબ્રસ્તાનમાં ખોદકામ કરી કંકાલ બહાર કાઢવામાં આવ્યો હતો અને ડીએનએ ટેસ્ટમાં મૃતકની ઓળખ ખાલીક અંસારી તરીકે થઈ હતી.આ ગુનામાં અગાઉ બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે મુખ્ય આરોપી રાજન રામ ફરાર હતો. જેને હવે સુરત ચોકબજાર સર્વેલન્સ ટીમે ઝડપી પાડી ઝારખંડ પોલીસને સોંપી દીધો છે.સુરત પોલીસની આ કામગીરીને લઈ પોલીસ વિભાગમાં પ્રશંસા વ્યક્ત થઈ રહી છે.
Tags:
Surat