જસદણ તાલુકાના જીવાપર ગામે ગઈકાલે મોડી રાત્રે ચોરીનો બનાવ સામે આવતા ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદાજે 5 તોલા સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મહત્વની વાત એ છે કે ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ જોવા મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના આધારે પોલીસ દ્વારા તસ્કરોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે CCTV ફૂટેજ કબજે લઈને તેની તપાસ શરૂ કરી છે તેમજ આસપાસના વિસ્તારમાં પણ પૂછપરછ હાથ ધરી છે.
ચોરીના બનાવને લઈને ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ વિવિધ ટીમો બનાવી CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.
Tags:
Jasdan