જસદણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરતા એક ટ્રકમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકની તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ 1699 પેટીઓ ભરેલો દારૂ મળી આવ્યો હતો.
માહિતી મુજબ ટ્રકમાં ઘુસાની યાર્ડ બનાવી તેના અંદર ચતુરાઈપૂર્વક દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો જેથી સામાન્ય તપાસમાં ઝડપાઈ ન શકે. પોલીસે વધુ તપાસ કરતા ટ્રકમાંથી 180 ML ની કુલ 81,552 બોટલો મળી આવી હતી.
આ મામલે ટ્રક ડ્રાઇવર રાહુલ ગુગડવાલની ધરપકડ કરી જસદણ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ પોલીસે ટ્રક, દારૂ સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના કયા વિસ્તારમાં પહોંચાડવાનો હતો તે અંગે જસદણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટ નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સોની માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.

