વિંછીયા તાલુકાના ઓરી ગામે પારિવારિક તેમજ કુટુંબીક અદાવતમાં ખેડૂત પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ઓરી ગામે રહેતા ચતુરભાઈ મનજીભાઈ વાલાણી પોતાની વાડીમાં ગુવારના પાકને પાણી પાવા ગયા હતા. ત્યારે ત્યાં હાજર તેમના દીકરા મહેશ ઉર્ફે કલી ચતુરભાઈ તેમજ લાલજીભાઈ ગોરધનભાઈ વાલાણી, બીટ્ટુભાઈ બુધાભાઈ સરવૈયા અને સંજય ઉર્ફે સચીન ઓધાભાઈ શિયાળ સાથે બોલાચાલી થઈ હતી.
ફરિયાદ મુજબ વાડીમાં ખાવા-પીવાના કાર્યક્રમ બાબતે ના પાડતા ચારેય ઇસમોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ચતુરભાઈના ડાબા પગમાં ગંભીર ઇજા પહોંચી હતી અને ફેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તને પ્રથમ વિંછીયા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ હતી, બાદમાં વધુ સારવાર માટે બોટાદની શિવાર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોએ પગમાં ઓપરેશન કરી પ્લેટ નાખવાની જરૂર હોવાનું જણાવ્યું છે.
આ બનાવ અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Tags:
Vinchhiya