--------------------------------------------------

સારોલી પોલીસે ૯૩ ગ્રામ અફીણ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

રિપોર્ટ - ભાવેશ ગોરસિયા સુરત 

સુરત શહેર પોલીસના “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ સારોલી પોલીસે વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન પોલીસે ૯૩ ગ્રામ અફીણ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, સારોલી પોલીસ અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે સત્યનારાયણ ઉર્ફે સતુભાઈ રામલાલ જાટ નામનો ઇસમ ગેરકાયદેસર અફીણ લઈને નિયોલ ચેકપોસ્ટ તરફ આવવાનો છે. બાતમીના આધારે પોલીસે કડોદરા-સુરત રોડ પર સાબરગામ ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી હતી.

દરમિયાન પોલીસે શંકાસ્પદ ઇસમને અટકાવી તપાસ કરતા તેની પાસેથી કુલ ૯૩ ગ્રામ અફીણ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે રૂ.૪૬,૫૦૦ ગણાવવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૫૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલ આરોપી સત્યનારાયણ ઉર્ફે સતુભાઈ રામલાલ જાટ (ઉ.વ.૫૨) સારોલી વિસ્તારમાં ચાની લારી ચલાવતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અફીણ સપ્લાય કરનાર છગનલાલ જાટને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે સારોલી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.વેકરીયાની આગેવાની હેઠળ સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Post a Comment

Previous Post Next Post

ads

ads