--------------------------------------------------

શિવરાજપુર ગામના 108 કિલો ગાંજાના કેસમાં ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર

રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ 

જસદણ નજીક શિવરાજપુરના પાટિયા પાસેથી ટ્રકમાં છુપાવેલા ₹54.16 લાખની કિંમતના 108 કિલો ગાંજા સાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓને રાજકોટની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે 11 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. પોલીસ આ કેસના મૂળ સુધી પહોંચવા આરોપીઓને સાથે રાખીને ઓરિસ્સામાં તપાસનો ધમધમાટ તેજ કરશે.

ગત તા. 06/05/2026ના રોજ રાજકોટ ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે શિવરાજપુર ગામના પાટિયા પાસે આવેલી જય વિહળાવાળા હોટલ નજીક વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતા ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી

108 કિલો 331 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રાજુભાઈ ચૌહાણ, કાદરશા શેખ અને નરેશ ઉર્ફે હરી લીંબાડિયાની ધરપકડ કરી ટ્રક અને મોબાઈલ સહિત કુલ ₹84.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભાડલા પોલીસના પી.આઈ. એચ.જી. ગોહિલ દ્વારા આરોપીઓને 15 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સરકારી વકીલ પરાગ એન. શાહએ દલીલ કરી હતી કે જપ્ત કરાયેલો ગાંજો કોમર્શિયલ ક્વોન્ટિટી (20 કિલો) કરતા પાંચ ગણો વધારે છે. આ જથ્થો ઓરિસ્સાના અલેખા બીસનું બહેરા પાસેથી મેળવ્યો હોવાનું ખુલ્યું છે. આરોપીઓ મુખ્ય સપ્લાયરને રૂબરૂ ઓળખતા હોવાથી

તેની ધરપકડ માટે તેમને ઓરિસ્સા લઈ જવા જરૂરી છે. કાલાવડના જે બે શખ્સોને (મહમ્મદરફીક લોદી અને અબ્દુલલતીફ સમા) આ માલ પહોંચાડવાનો હતો, તેમની કડી મેળવવા માટે પણ આરોપીઓની હાજરી અનિવાર્ય છે. કોર્ટે બંને પક્ષોની દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીઓના 11દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ કેસમાં હવે પોલીસની એક ટીમ ઓરિસ્સા રવાના થશે, જ્યાં ડ્રગ્સ નેટવર્કના મુખ્ય સૂત્રધારની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવશે. તપાસમાં હજુ મોટા ખુલાસા થવાની શક્યતા છે કે આ જથ્થો ગુજરાતમાં અન્ય કયા કયા શહેરોમાં સપ્લાય થવાનો હતો.

Post a Comment

Previous Post Next Post

ads

ads