જસદણમાં ટીનાબેન કટકીયાએ ફિનાઇલ પીધું: પાડોશી હેરાન કરતાં હોવાનો આક્ષેપ
રાજકોટ તા. ૫: જસદણના વડલા વાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. પોતે જે મકાનમાં રહે છે ત્યાંના ભાડુઆત તેમજ બીજા લોકો દ્વારા જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હેરાન કરવામાં આવતાં હોઇ આ પગલુ ભર્યાનો આક્ષેપ કરાયો હતો.
જાણવા મળ્યા મુજબ જસદણમાં રહેતી ટીનાબેન યોગેશભાઇ કટકીયા (ઉ.વ.૨૪)એ રાતે ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. તેણીના લગ્ન છ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક દિકરો છે. પતિ યોગેશ ડ્રાઇવીંગ કરે છે. તેણે જણાવ્યું હતું કે પોતે પ્રજાપતિ છે અને તેની પત્નિ અનુસુચીત જ્ઞાતિના છે. બંનેએ લવમેરેજ કર્યા છે. હાલમાં એક વર્ષથી ભાડેથી રહે છે. અન્ય ભાડુઆત સહિતના લોકોને પત્નિની જ્ઞાતિની ખબર પડતાં માથાકુટ કરતાં હોઇ અને બોલબોલ કરતાં હોઇ કંટાળી જતાં તેની પત્નિ ફિનાઇલ પી ગઇ હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.