રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ
જસદણ નગરપાલિકામાં વધુ એકવાર મારામારીનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર-1ના મહિલા સભ્યના પ્રતિનિધિ અને તેમના પતિ હરેશ ઠોળીયા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે.
માહિતી મુજબ, પાણીના ટાંકા નાખવાના મુદ્દે થયેલા વિવાદ બાદ નગરપાલિકાના એક કર્મચારી અને તેમના સાગરીતો સહિત કુલ 7 લોકોએ હરેશ ઠોળીયા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જૂની અદાવતનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલામાં હરેશ ઠોળીયાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ જસદણ નગરપાલિકામાં મારામારીનો બનાવ બન્યો હતો. સતત બીજા દિવસે પણ હિંસક ઘટનાની નોંધ થતાં નગરપાલિકાના વાતાવરણ અને કાયદો-વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Tags:
Jasdan